પલસાણા ગ્રામ પંચાયત – પ્રગતિશીલ પલસાણા

સમરસ ગ્રામ યોજના :

રાજયની ચૂંટણીઓમાં પક્ષ અને પ્રતિક હોય છે પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પક્ષનું આવું કોઇ પ્રતિક હોતું નથી. તેની પાછળ મહત્‍વના કારણો રહેલા છે. આર્ય સંસ્‍કૃતિની એ આગવી પરંપરા રહી છે, ગામનું મુળ અસ્‍તિત્‍વ, એનું અસલપણું, એના પ્રસંગો, રૂઢીઓ વગેરે જળવાઇ રહ્યાં છે. ગામની વિવિધ કોમો-જ્ઞાતિઓ વારતહેવારે થતાં ઉત્‍સવોમાં ભાગ લે છે અને કૌટુંમ્‍બિક ભાવના જળવાઇ રહે છે. એમની આ વિશિષ્‍ટતા છિન્નભિન્ન ન થાય એ માટે પંચાયત ધારો ઘડનારાઓએ આપણી આ પાયાની સ્‍થાનિક સ્‍વરાજની સંસ્‍થામાં ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી

દેશની માટી દેશના જળ, હવા દેશની દેશના ફળ,

સરસ બને, પ્રભુ સરસ બને.

દેશના ઘર અને દેશના ઘાટ, દેશના વન અને દેશની વાટ,

સરળ બને, પ્રભુ સરળ બને.

આપણી આ પાયાની સંસ્‍થાની ચૂંટણીમાં પક્ષિય ધોરણ રાખ્‍યું નથી. ગામડામાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્‍ય ઉભા ન થાય તેવી ભાવના ઉજાગર કરતી યોજના છે. ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામ પંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નકકી કરે છે. જેમાં અનેક વ્‍યકિતઓ પોતાનો હક્ક જતો કરીને સમાજ માટે પ્રેરણારૂપ આચરણ કરી ગામનું ભલુ અને વિકાસ કરવાના ઉચ્‍ચ હેતુ માટે ઉમદા અભિગમ અપનાવે છે.

હાલના સાંપ્રત વાતાવરણમાં કંઇક મેળવવાને બદલે ત્‍યાગની ભાવના ઉજાગર બને છે એટલે કે વાદ નહિ વિવાદ નહિ પરંતુ સંવાદ દ્વારા સામુહિક સર્વસંમત નિર્ણય કરવામાં આવે છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ દિન-પ્રતિદિન ખૂબ જ ખર્ચાળ થતી જાય છે અને ગ્રામ્‍ય જીવનમાં મતભેદોનું વાતાવરણ વધારે છે. આવા સંજોગોમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ વ્‍યાપક સમજૂતીથી બિનહરીફ રીતે અને સર્વસંમતિથી થાય જેથી સ્‍થાનિક પ્રજા ગામના વિકાસના કામોમાં ઉમંગભેર ભાગ લે તેવી પરિસ્‍થિતિનું નિર્માણ થાય તે જરૂરી છે.

બિનહરીફ ચૂંટાય તેવી ગ્રામ પંચાયતોને સને : ૨૦૦૧ અગાઉ અપાતા રૂ. ૧,૦૦૦/- અને રૂ. ૨,૦૦૦/- (તા. ૩/૧૦/૧૯૯૬) ની જગ્‍યાએ પ્રજાજીવનને સંવાદિ બનાવવાના શુભ આશયથી રાજય સરકારે ઓકટોબર-૨૦૦૧ થી આવી ગ્રામ પંચાયતોને સબળ પ્રોત્‍સાહન આપવા માટે રૂા. એક લાખ સુધીનું માતબર અનુદાન આપવાનું નકકી કરેલ અને જે ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સદસ્‍યો મહિલા હોય અને બિનહરીફ ચૂંટાય તો તેમને બે ગણું અનુદાન આપવાની આ યોજનાને ખૂબ જ સારો પ્રતિભાવ મળતાં રાજય સરકારે અવાર-નવાર અનુદાનમાં વધારો કરી છેલ્લે તારીખ : ૨૯/૧૧/૨૦૧૧ ના ઠરાવથી પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં વધારો કરેલ છે.

સને : ૨૦૦૧ માં સમરસ ગામ યોજના જાહેર થયા બાદ ૧૦,૯૮૦ સમરસ ગ્રામ પંચાયતોને રાજય સરકારે અનુદાન આપેલ છે. તદૃઉપરાંત રાજય સરકારના ગ્રામાભિમુખ અભિગમના ભાગરૂપે ટેકનીકલ કારણોસર જે ગ્રામ પંચાયતોને સમરસ યોજનાનો લાભ મળેલ ન હતો તેવી ૧૨૧ ગ્રામ પંચાયતોને પણ સમરસ જાહેર કરી રૂ. ૧૨૮.૧૨ લાખનું અનુદાન આપવામાં આવેલ છે. આ તમામ સમરસ ગ્રામ પંચાયતોમાં ગામના વિકાસ માટે અન્‍ય યોજનાઓના અને ગ્રામ પંચાયતના પોતાના ભંડોળ ઉપરાંત સમરસ ગામ યોજના હેઠળ મળેલ અનુદાનનો ઉપયોગ કરવામાં આવી રહેલ છે.

પરિવર્તનનો પવન ફુંકાય અને પંચાયતમાં પગ મૂકતાં જ આપણે હરખાઇ ઉઠીએ આપણાં તન-મન પ્રફુલ્લિત થઇ જાય એવા પ્રતિનિધિઓ જોવા મળે એવું વાતાવરણ સર્જાય. પાંચ વર્ષ માટે ગામની વિકાસ પ્રવૃત્તિને નવો ઓપ આપે એવા નિષ્‍ઠાવાન, કર્મઠ, નમ્ર, વિવેકી, ગતિશીલ, સૌને સાથે રાખીને ચાલવાવાળા સરપંચને જોવા, અનુભવવાની, ગુજરાતના ૨૬ જિલ્લાઓના ગામલોકોની આતુરતાનો અંત સંભવે છે.

ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ગામલોકોની સર્વસંમતિથી થાય એ જરૂરી છે. આને કારણે ગામની પ્રજા ગામના વિકાસના કામોમાં ઉત્‍સાહભેર ભાગ લે અને સુમેળભર્યું વાતાવરણ પેદા થાય. આ માટે રાજય સરકાર કટિબધ્‍ધ છે. એટલા માટે સર્વસંમતિથી રચાતી ગ્રામ પંચાયતો માટે પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં નોંધપાત્ર વધારો કરતાં તારીખ : ૨૯/૧૧/૨૦૧૧ થી સમરસ યોજના નીચે મુજબ અમલમાં મૂકેલ છે.

સતત બીજી વખત સમરસ પંચાયત થાય તો ૨૫ ટકા વધારે રકમ અને સતત ત્રીજી વખત સમરસ થાય તો બીજી વખતના પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારે રકમ આપવાની જોગવાઇ કરેલ છે તથા નીચે મુજબની સુવિધાઓ આપવાની જોગવાઇ કરેલ છે.

૧. પ્રથમ વખત સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને અગ્રીમતાના ધોરણે તે વિસ્‍તારની પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ની સગવડ ન હોય અને માંગણી થયેથી અગ્રીમતાના ધોરણે ધોરણ-૮ ચાલુ કરવામાં આવશે.
૨. સતત બીજી વખત સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને પ્રથમ વખતની પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકા વધારો તથા સી.સી. રોડની સગવડ પૂરી પાડવામાં આવશે.
૩. સતત ત્રીજી વખત સમરસ થતી સામાન્‍ય તથા મહિલા ગ્રામ પંચાયતને બીજી વખતના પ્રોત્‍સાહક અનુદાનની રકમમાં ૨૫ ટકાનો વધારો તથા ગામે સોલાર સ્‍ટ્રીટ લાઇટની સગવડ પૂરી પાડવામાં આવશે.
૪.બીજા તબક્કા અને ત્રીજા તબક્કાનો વધારાનો લાભ ફક્ત એક વખત જ મળવા પાત્ર થાય છે.

પ્રોત્‍સાહક અનુદાનનો ઉપયોગ ગામના સામુહિક વિકાસના કામોમાં કરવાનો થાય છે, જેમ કે પીવાના શુધ્‍ધ પાણીની યોજના, આંતરિક એપ્રોચ રસ્‍તાઓ, સ્‍ટ્રીટ લાઇટની સુવિધા, પ્રાથમિક શાળાના ઓરડાઓ, પ્રાથમિક સારવાર કેન્‍દ્રોની વ્‍યવસ્‍થા, જળસંચય યોજના, જાહેર શૌચાલયના અને દુષિત પાણીના નિકાલની યોજના કે પ્રાથમિક સુવિધા.. .. વગેરેમાં કરવાનો છે. આ ઉપરાંત જયાં પાણીની કાયમી તંગી વર્તાતી હોય ત્‍યાં વોટર રીચાર્જની વ્‍યવસ્‍થા કરવાની, તળાવો ઉંડા કરવાના તથા બનાવવાના, કુવા ખોદાવવાના તથા નદી-નાળા પર આડબંધો બાંધી પાણીની સુવિધાઓ ઉભી કરવાની હોય છે.